અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. હવે આવી સ્થિતિનું નિવારણ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલનો આ નિર્ણય વાહન ચાલકોમાં એક રાહતના સમાચાર લઈ આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલે નિર્ણય લીધો છે કે, અમદાવાદમાં ટ્રાફિક જંક્શનો ઉપર વધતા જતા ટ્રાફિકના જંક્શનને ઘટાડવા 400 AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવી સિસ્ટમ મુજબ, જ્યારે વાહન પસાર થતાં અટકશે, ત્યારે તરત જ ગ્રીન લાઇટ રેડ લાઇટમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ પાછળ અંદાજિત 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી શકે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે કે, મ્યુનિસિપલ દ્વારા હવે નવી ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં વાહન ડિટેકશન સેન્સર લાગેલા હશે. જેના થકી કોમ્યુનિકેશન નેટવર્ક, ઇન્ટેલિજન્સ અને કનેક્ટેડ સિસ્ટમ તેમજ ટ્રાફિકની પરિસ્થિતિને લઈને શું અપડેટ છે તે અંગેનું સેન્ટ્રલ સર્વર પણ આ સોફ્ટવેરમાં જોવા મળશે. આના માટે મ્યુનિસિપલ એક કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરશે.
ટ્રાફિક સિગ્નલ દરમિયાન ના ફક્ત લાઇટ ગ્રીન કે રેડ દેખાશે પણ આખો થાંભલો જ ગ્રીન કે રેડ દેખાશે. આ સિસ્ટમ થકી વ્યક્તિને દૂરથી જ ખબર પડી જાય કે, ટ્રાફિકની સ્થિતિ શું છે. જણાવી દઈએ કે, શહેરમાં અત્યારે લગભગ 250 જેટલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલને લગતી લાઇટ લગાવવામાં આવી છે. જો કે, હવે મ્યુનિસિપલ દ્વારા 400 સ્થળે અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, બેંગ્લુરુ, સુરત અને વડોદરામાં કેટલાક સિગ્નલો એવા છે કે જે અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી સજેલા છે. આનાથી ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓને સરળતાથી દંડ ફટકારવામાં આવશે. તદુપરાંત, ઍમ્બ્યુલન્સ અથવા તો ઇમર્જન્સી વાહનોને પણ ગ્રીન કોરિડોર આપવામાં આવશે.