અમદાવાદ : ભરઉનાળે શહેરમાં ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ચોમાસાની સિઝનમાં શહેરમાં ભૂવા પડવા અને વાહનો ફસાઈ જતાં હોવાની ઘટના સામાન્ય રીતે બનતી હોય છે. પરંતુ શહેરના મકરબા વિસ્તારમાં રસ્તા પર પડેલા ભૂવામાં આખી રિક્ષા ખાબકી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આ ભૂવો પડ્યો છે. એક રિક્ષાચાલક રાબેતા મુજબ આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નાનકડો ખાડો હતો. રિક્ષાચાલકનું ધ્યાન ન રહ્યું અને સાવ ખોબા જેવડા ખાડા પરથી પસાર થયો ત્યાં અચાનક રસ્તો બેસી ગયો ને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ ચાલક પણ લોહીલુહાણ થઈ ગયો હતો. ઘાયલ રિક્ષાચાલકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.AMCએ બેરિકેટ લગાવી રોડ બંધ કર્યો છે.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ઘાયલ રિક્ષા ચાલકને પ્રાથમિક સારવાર પણ આપી હતી. જ્યારે સ્થાનિકોએ ભૂવામાં ખાબકેલી રિક્ષા બહાર કાઢી હતી. જોકે, સદનસીબે રિક્ષામાં બેસેલી મહિલા અને બાળકોને કોઈ ઈજા પહોંચી નથી.
AMC તંત્રના પાપે ભૂવામાં રીક્ષા ખાબકી હતી, જોકે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. AMC તંત્રએ ભૂવાને કોર્ડન કરીને બેરિકેટ મૂકવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ચોમાસા વગર ભૂવો પડ્યો છે તો ચોમાસામાં રસ્તાની શુ સ્થિતિ સર્જાશે? હાલ તો તંત્ર ભૂવાનું પુરાણ કરાવામં વ્યસ્ત છે!