અમદાવાદ : અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ફરી એક વખત આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા હતા.કારણ કે, હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈપણ ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ફરિયાદો સતત વધી રહી છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળે ખાવા પીવાની ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ફરિયાદો આવતા મ્યુ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સીલ મારવામાં આવેલ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલા સબ- વે રેસ્ટોરન્ટમાં રસોડામાંથી જીવીત અને મૃત હાલતમાં વંદા મળી આવ્યા હતા, જેના કારણે તેને સીલ મારવામાં આવ્યું હતું. તો બીજી તરફ નારણપુરાના સોલા રોડ ઉપર ગોકુલ એપાર્ટમેન્ટ પાસે આવેલી ન્યુ પટેલ ડેરી ફાર્મમાં પણ મેંગો મિલ્ક શેકમાંથી ગરોળી મળી આવી હતી, જેના કારણે થઈને તેને પણ સીલ મારવામાં આવ્યું છે. હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની જગ્યા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવા- પીવાની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી લોકોના આરોગ્યને જોખમ છે.
આ અગાઉ ગત મહિને અમદાવાદમાં મણિનગરના મહાલક્ષ્મી કોર્નરમાંથી ખરીદેલ હેવમોરના આઈસક્રીમ કોનમાંથી ગરોળી નીકળતા એકમ સીલ કરાયું હતું. જેમાં મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નરમાંથી હેવમોરનો હેપ્પીકોન આઈસક્રીમ લીધો હતો. કોન ખાધા પછી તેમાંથી ગરોળી નીકળી હોવાની ફરિયાદ મ્યુનિ.ના ફુડ વિભાગને મળતા લાયસન્સ વગર ધંધો કરતા એકમને સીલ કર્યુ હતું. મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નર, મણિનગર જુના રેલવે ક્રોસીંગ પાસે આવેલા એકમમાંથી હેવમોરનો હેપ્પીકોન આઈસક્રીમ લીધો હતો.
આઈસક્રીમ ખાધા પછી મોંઢામાં તેને કંઈક હોવાનુ જાણ થતા કોનમાથી ગરોળીની પૂંછડી નીકળતા તેને ઉલટી થઈ હતી. આ ફરિયાદ સંદર્ભમાં મહાલક્ષ્મી કોર્નર ખાતે તપાસ કરી હેપ્પીકોન આઈસક્રીમનું એક સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે લેવાયું હતું.