અમદાવાદ : ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા લોકો ફરવા વિદેશ જાય છે. આ માટે પાસપોર્ટની જરૂર પડે છે. અમદાવાદના બાપુનગરમાં આવેલા વ્હાઈટ હાઉસ ખાતે બની રહેલા ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ કેન્દ્રની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર 7 જુલાઈથી શરૂ થશે. આ કેન્દ્રની ક્ષમતા 2 હજાર અરજદારની છે. આ કેન્દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્દ્ર બંધ કરી દેવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બાપુનગરમાં શરુ થઇ રહેલ નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ મળીને કુલ મળીને 36 કાઉન્ટર હશે. જેમાં A વિંગમાં 20 કાઉન્ટર, જે તમામ શરૂ કરી દેવામાં આવશે, જ્યાં TCSનો સ્ટાફ ડોક્યુમેન્ટ – ફિંગર પ્રિન્ટ લેશે. જયારે B વિંગમાં 10 કાઉન્ટરમાંથી 6 શરૂ કરવામાં આવશે, અહીં પાસપોર્ટનો સ્ટાફ ડોક્યુમેન્ટ વેરિફાઇ કરવાનું કામ કરશે, જયારે C વિંગમાં 6 કાઉન્ટરમાંથી 3 થી4 શરૂ કરી દેવામાં આવશે, જ્યાં કચેરીનો સ્ટાફ અંતિમ ફાઇલ ગ્રાન્ટ કરશે. હાલમાં સ્ટાફની અછતને કારણે બી અને સી વીંગમાં કેટલાક કાઉન્ટર ખાલી રહી શકે છે.7 જુલાઈએ 20 અરજદારોને બોલાવીને ટ્રાયલ કરવામાં આવશે, જેથી જો કોઈ સમસ્યા હોય તો તે જાણી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય. એ પછી બીજા દિવસથી પાસપોર્ટ સેન્ટર કાર્યરત થઈ જશે. જો કે વિજય ચાર રસ્તા પરનું પાસપોર્ટ સેન્ટર ચાલુ જ રહેશે.
બાપુનગરમાં નવું સેન્ટર શરૂ થતા પૂર્વમાંથી આવતા લોકો અને ખેડા, આણંદ, નડિયાદના લોકોને સુવિધા રહેશે. મીઠાખળી જુના પાસપોર્ટ સેન્ટરમાં રોજના 800 અરજદારના પાસપોર્ટ ડોકયુમેન્ટ સબમિટ થાય છે. પણ અહીં જગ્યા વધારે ન હોવાને કારણે લોકોને બેસવાની જગ્યા મળતી નથી, સાથે જ પાર્કિંગની જગ્યા પણ ન હોવાને કારણે પણ લોકોને સમસ્યા થાય છે. ત્યારે બાપુનગરમાં વ્હાઇટ હાઉસ ખાતે નવા પાસપોર્ટ કેન્દ્રમાં આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.