અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં લો ગાર્ડનની આજુબાજુના 6.68 કિલોમીટર વિસ્તારને આવરી લેતા 6 રોડને ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. રૂ. 100 કરોડના ખર્ચે આ વિસ્તારને પ્રિસીન્કટ એરિયા તરીકે વિકસાવવામાં આવશે. સી.જી રોડ બાદ હવે લો ગાર્ડન અને મીઠાખળીના આસપાસ વિસ્તારોના રોડ બનશે. જેમાં લોકો માટે પાર્કિંગ, ચાલવા માટે વોક-વે, થીમ લાઈટ અને ફૂટપાથ સહિતની સુવિધાઓ હશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, લો ગાર્ડનની આસપાસના રોડના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડની જેમ વિકસાવવા માટે રૂ.100 ખર્ચ કરવામાં આવશે. આ રોડ પર શહેરીજનોને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા મળશે. રાહદારીઓને ચાલવા માટે પ્લાન્ટેશનયુક્ત વોક-વે તેમજ ફૂટપાથ હશે. નાના વેપારીઓ ધંધો કરીને રોજગાર મેળવી શકે તેના માટે વેન્ડિંગ ઝોન બનશે. ગજેબો, બેસવા માટે બેન્ચીસ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન વગેરેની સુવિધાઓ સાથે આ રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને વિચારો રૂપે વાહનચાલકો જઈ શકે તેના માટે ટ્રાફિક સાઇનેજીમ, થર્મોપ્લાસ્ટીક, પેઇન્ટ વડે રોડ માર્કિગ અને અન્ય ટ્રાફિક એન્જિનિયરીંગને લગતી કામગીરી કરવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ લેન્ડસ્કેપ લાઇટીંગ, લાઇટ પોલ, થીમ લાઇટ પણ થશે જેથી રાત્રિના સમયે પણ ત્યાં લોકો ને હરવા ફરવાની મજા આવશે. લો ગાર્ડનની આજુબાજુનો આ સમગ્ર વિસ્તાર ડેવલોપમેન્ટ થવાના કારણે લોકોને ખૂબ ફાયદો થશે.