અમદાવાદ : શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. બદરુદ્દીન નામના શખસે મેરી બીબીકે સામને ક્યું દેખતા હૈ હોવાનું કહી હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો.સામાન્ય બોલાચાલી બાદ હોમગાર્ડ પર છરી વડે હુમલો કરવામાં આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર અને ઓપરેશન બાદ આજે હોમગાર્ડ જવાનનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે હોમગાર્ડ પર હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં 21મી જૂલાઈએ મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે હત્યામાં પરિણમ્યો છે. રાતના સમયે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામના યુવક યુવતી ત્યાં ઊભા હતા, તે દરમિયાન બદરુદ્દીન શાહે મારી પત્ની સામે કેમ જોવે છે તેમ કહીને હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બોલાચાલી કરી હતી. જે દરમિયાન બદરુદિને દ્વારા કિશનને છરીના ઘા માર્યા હતા, જેથી કિસાન ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન બાદ તેનું મોત નીપજ્યું હતું. કિશનની હત્યા કરનાર બદરુદિન અને નીલમ પ્રજાપતિને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદરુદિન અને નીલમ લિવ ઇનમાં રહે છે અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.