અમદાવાદ : શહેરમાં હજારો લોકો માટે વરદાનરૂપ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધા કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને એક ખુશખબર મળી રહ્યા છે.થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જીએમઆરસી દ્વારા અમદાવાદમાં હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં સવારે અને સાંજે પિકઅવર્સમાં મેટ્રોનું દર 7 મિનિટે સંચાલન થશે, જ્યારે નોન પિક અવર્સમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે. એટલે કે ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં પિક અવર્સમાં મેટ્રોનું સંચાલન દર 12 મિનિટથી ઘટાડી દર 7 મિનિટે કર્યું છે. જ્યારે આ સિવાયના સમયમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. રવિવાર તેમ જ રજાના દિવસોમાં પિક અવર્સમાં દર 10 મિનિટે તેમ જ નોન પિક અવર્સમાં દર 12 મિનિટે જ મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.
અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં અગાઉ દિવસ દરમિયાન સરેરાશ 75થી 77 ટ્રિપનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ ફ્રિકવન્સી વધારાતા હવે લગભગ 85 જેટલી ટ્રિપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.અત્યારે લગભગ 70 ટકા પેસેન્જરો ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં તેમ જ 30 ટકા પેસેન્જરો જ નોર્થ સાઉથ કોરિડોરમાં મુસાફરી કરી રહ્યા છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી તેમ જ સાંજે 5 થી રાતે 8 વાગ્યા સુધી ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં પેસેન્જરોનો ધસારો સતત વધી રહ્યો છે.
નોર્થ સાઉથ કોરિડોરમાં ટ્રિપોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. આ રૂટ પર હાલ પણ સરેરાશ 75 જેટલી ટ્રિપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે મોટેરાથી સચિવાલય સુધીના રૂટ પર સવારે 7.22 વાગ્યાથી રાતે લગભગ 8.25 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન દર 36 મિનિટે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં લગભગ 35થી 40 ટકા સુધીનો વધારો થયો છે.
એક રિપોર્ટ મુજબ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યામાં છેલ્લાં 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો નોંધાયો છે. મહિને સરેરાશ 35થી 40 ટકા જેટલો વધારો પેસેન્જરોમાં થઈ રહ્યો છે. વર્ષ 2023ના જૂનમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા દરરોજ સરેરાશ 67 હજાર જેટલી હતી. જ્યારે 2024માં જૂનમાં રોજના પેસેન્જરોની સંખ્યા સરેરાશ 94 હજાર સુધી પહોંચી ગઈ હતી. જ્યારે 2025ના જૂનમાં પેસેન્જરોની સંખ્યા વધીને 1.31 લાખ સુધી પહોંચી ગઈ છે.