અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું લોકાર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલા બાલવાટિકાનું ઉદ્ઘાટન સને ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આજે બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બાલવાટિકામાં બાળકો અને યુવાનો માટે વિવિધ એક્ટિવિટીઝને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે અહીં વિવિધ 27 પ્રકારની એક્ટિવિટીઝ નવા બાલવાટિકામાં માણવા મળશે. જેમાં ખાસ કરીને ડાયનાસોર ટ્રેન, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય પાર્ક, કિડ્સ ગો કાર્ટ, વેક્સ મ્યુઝિયમ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે.
મહત્વનું છે કે,બાલવાટિકામાં રૂપિયા 50માં એન્ટ્રી ટિકિટમાં 6 એક્ટિવિટીનો લાભ લઈ શકશે. આ સાથે અહીં અન્ય એક્ટિવિટીના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર (એ.સી.), શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ ગ્વોલ સ્ટેશનનો સમાવેશ થાય છે.
કાંકરિયા તળાવમાં આવેલી બાલવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલોપમેન્ટ કર્યું છે. 22 કરોડના ખર્ચે બાલવાટિકામાં 28 જેટલા આકર્ષણનો ઉમેરો કરાયો છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવર ઉભા કરાયા છે. આ ઉપરાંત ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઈડનો ઉમેરો કરવામાં આવ્યો છે. કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે.
બાલવાટિકામાં આવેલી એક્ટિવિટીઓ અત્યારના સમય અનુસાર બાળકોના બૌધ્ધિક અને શારિરીક વિકાસ થઈ શકે એ પ્રકારની બનાવવા બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. બાલવાટિકાનું રિ- ડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનાર બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીઓનો આનંદ મળશે.