અમદાવાદ : વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 14 સપ્ટેમ્બરને રવિવારે ઉદઘાટન કરશે. તે દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.ઓલિમ્પિક કક્ષાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે તે માટે તમામ સુવિધા અહીં ઉભી કરાઈ છે. 118877.27 ચોરસ મીટરમાં ફેલાયેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 1203 દિવસમાં તૈયાર કરાયું છે. કોમ્પ્લેક્સમાં 5200 પ્રેક્ષકની ક્ષમતા છે.
આ સિવાય સામાન્ય નાગરિકો પણ પોતાને મોબાઈલમાંથી બહાર કાઢીને ફિટ રહી શકે એ માટે કોમ્પ્લેક્સની અંદર જ ફિટ ઈન્ડિયા ઝોન બનાવાયો છે, સાથે જ ખેલાડીઓ માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે.
એશિયન એકવાટીક ચેમ્પિયનશીપ અને વર્લ્ડ વેઈટલીફટીંગ ચેંપિયનશીપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજશે. આમ વિવિધ અંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે.
આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને તેની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે.
આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોમ્ર્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોના આધારે લગભગ 1.18 ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂ. 824 કરોડના અંદાજીત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે.
અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ 24×24ની હાઈટના બે મુખ્ય હોલ. બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ રમતોનું આયોજન થશે. ટેકવાન્ડો, કબડ્ડી, રેસલિંગ, જેવી રમતોની ટ્રેનિંગ પણ થઈ શકે છે. ઈન્ડોર મલ્ટિ સ્પોર્ટ્સ અરેન હોલ પણ છે.
એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.