ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ ઉપરાંત, આ સેવાઓ માટેની ફી પણ ઓનલાઈન જ ભરી શકાશે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પહેલાં બેંકમાં જઈને ચલણ ભરવાની પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ નવો સુધારો રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ રાકેશ વ્યાસે જણાવ્યું કે ઓનલાઈન સુવિધા અંતર્ગત જીએસઇબીના વિદ્યાર્થીઓ તેમના માર્કશીટ અને પ્રમાણપત્રમાં નામ, અટક અને જન્મ તારીખ સહિતની વિગતોમાં સુધારો કરી શકશે. આ ઉપરાંત, બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોના વિદ્યાર્થીઓના માર્કશીટ-પ્રમાણપત્ર વેરિફિકેશન, વિદેશ જવા માટેના સીલ કવરમાં નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખમાં સુધારો, ટેટ વેરિફિકેશન, ટેટ ડુપ્લિકેશન અને ડુપ્લિકેટ માર્કશીટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ફી ભરવા માટે હવે ક્યુઆર કોડ મારફતે યુપીઆઇ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાશે, જે પહેલાં માત્ર બેંક ચલણ દ્વારા જ ભરાતી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું કે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા બહારગામના વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓફલાઇન પ્રક્રિયા અંતર્ગત ફી બેંકના નિયત સમયગાળામાં રૂબરૂ ચલણ ભરવા જવું પડતું હતું. આ પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઓનલાઇન કરી દેવામાં આવી છે.તેમણે ઉમેર્યું કે, જેનો સીધો જ લાભ રાજ્યના જિલ્લા મથકો અને તાલુકા મથકેથી ગાંધીનગર આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને થશે. આ પહેલથી સમય અને શ્રમ બંનેની બચત થશે અને વહીવટી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે.