અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે, ગરબાના આયોજકો અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ મોડી રાત સુધી હાઈ કેપેસિટી વાળા લાઉડ સ્પીકર પર ગરબા વગાડવામાં આવે છે.22 તારીખે નવરાત્રી શરુ થાય એ પહેલા સોમવારે ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વના નિર્દેશ આપ્યા હતાં. તો બીજી તરફ નવરાત્રિ મામલે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે તમામ રાસ-ગરબા માટે DJની પરવાનગી જરૂરથી લેવી પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ વી એમ પીરઝાદાની બેન્ચે નિર્દેશ આ આપ્યા હતાં.દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ગુજરાત સરકારના અધિકારીઓ માર્ચ 2024માં ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ અને 2005 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિત અગાઉના કેટલાક આદેશોનું પાલન કરી રહ્યા નથી.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કરીને ખાતરી આપી હતી કે નિર્દેશોનું પાલન કરવામાં આવશે. આમ છતાં હાઈકોર્ટને સરકારના જવાબથી સંતોષ થયો નહીં, કોર્ટે કહ્યું કે “પ્રતિવાદીઓ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર(SOP) જાહેર કરવા અને પરિપત્ર બહાર પાડવાના પગલાની અમે પ્રશંસા કરીએ છીએ. જોકે, ચિંતા સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અસરકારક અમલીકરણ અંગે છે.”
DJsના ત્રાસ અંગે અંગે હાઈકોર્ટે કડક મૌખિક અવલોકનો કર્યા. બેન્ચે કહ્યું કે DJs હવે સીમા ઓળંગી રહ્યા છે અને વધુ પડતા આવાજને કારણે ઘરની બારીઓ ધ્રુજી ઉઠે છે. કોર્ટે નોંધ્યું જકે ડીજેના વૂફર્સને કારણે લોકોના મગજને ગંભીર અસર પહોંચી શકે છે અને આ પરિસ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.