અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ 75 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘નમોત્સવ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ આવતીકાલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસે વિવિધ રૂટનું ડાયવર્ઝન આપ્યું છે. 17મી સપ્ટેમ્બરના રોજ બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જાહેરનામા મુજબ, બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ. સ્કૂલ ત્રણ રસ્તા) સુધીનો માર્ગ બંધ હોવાથી સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલ થઈ રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે. જ્યારે પ્રકાશ પેટ્રોલ પંપથી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈ એસ.બી.આઈ. બેન્ક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે. આ ઉપરાંત લા.બ.શા. સ્ટેડિયમથી હરદાસનગર ચાર રસ્તા (લીમડા ચોક) થઈ ડાબી બાજુ રખિયાલ મચ્છી માર્કેટ તરફ જઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે બાપુનગરમાં નમોત્સવ કાર્યક્રમમાં 150 જેટલા કલાકારો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી સહિતના VVIP લોકોની ઉપસ્થિતિ હોવાને કારણે ટ્રાફિકને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યક્રમને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે.