અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ જિમખાના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, જીમખાનામાં ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે.દરિયાપુર પોલીસ દ્વારા ક્લબમાં થયેલ માથાકૂટ બાબતે સંચાલક ગોવિંદ પટેલની ગુનાના કામે અટક કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મનપસંદ જિમખાનાના અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુગારીઓ જુગાર રમી રહ્યા છે. વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે તેવું જાણ થતા જ જુગારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.વીડિયો ઉતારનાર વ્યક્તિ પોતે આ જગ્યાનો માલિક હોવાનો વીડિયોમાં દાવો કરી રહ્યો છે અને સાથે-સાથે એમ પણ કહી રહ્યો છે કે હું આ જગ્યાનો માલિક છું અને મેં અહીં જુગાર રમવાની કોઈ પરમિશન આપી નથી. જોકે, વીડિયોમાં જિમખાનામાં બેફામ જુગાર રમાઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.ક્લબમાં થયેલ માથાકૂટ બાબતે સંચાલક વિરુદ્ધ BNS કલમ 115(2), 351(3), 296, 54 મુજબ ગુનો નોંધાયો છે. ક્લબના સંચાલક ગોવિંદ પટેલની ગુનાના કામે અટક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મનપસંદ જિમખાના અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યું છે. ભૂતકાળમાં પણ જુગાર સહિત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ મામલે આ જિમખાનાનું નામ ચર્ચામાં રહ્યું છે. હાલ આ મામલો ફરી એકવાર ગરમાયો છે.