અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. પોલીસ દ્વારા હાઈવે પર રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલા એક વેપારીની કાર રોકી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કારમાંથી કંઈ મળી આવ્યું હતું નહીં. જેથી પોલીસે વેપારી અને તેના મિત્રને કેબિનમાં બોલાવી તેનો મોબાઇલ ચેક કર્યો હતો અને તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની લિંક છે તારા પર કેસ કરવામાં આવશે તેમ કહી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે વેપારીએ 5.88 લાખ રૂપિયા આપી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ બનાવના એક મહિના બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે આશરે ૪ વાગ્યાની આસપાસ નિકોલ દાસ્તાન સર્કલ પાસે પહોંચતાં જ અજાણ્યા ચાર પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. આ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોતાની ઓળખ જણાવ્યા વિના ટ્રાફિક ચેકિંગના નામે વાહનની તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં રુટીન ચેકિંગ જેવું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે વાતોમાં વળાંક આવ્યો.પોલીસ કર્મીઓએ વજેરામ ગુર્જર અને તેમના કૌટુંબિક ભાઇનો મોબાઇલ ફોન માંગ્યો અને તેમાંથી ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલી કોઈ આઈડી મળી જવાનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા. પોલીસ કર્મીઓએ તરત જ તેમને ધમકી આપવાની શરૂઆત કરી કે “તારા ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે, તું સટ્ટો રમે છે. આના આધારે તારા પર કેસ નોંધાશે અને તને જેલમાં નાખીશું.” આ ધમકીઓથી ડરી જતાં તેઓને દાસ્તાન સર્કલ પાસે આવેલા એક કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસ કર્મીઓએ કહ્યું કે, જો તાત્કાલિક પૈસા ન આપ્યા તો કેસ નોંધીને તેમને અમદાવાદમાં જ અટકાવી દેશે અને મહારાષ્ટ્ર પાછા જવાનું પણ મુશ્કેલ બની જશે.
આ દબાણ હેઠળ જબરજસ્તી પૈસા આપવા પડ્યા હતા. પહેલા તેઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા પરંતુ પોલીસ કર્મીઓએ વધુ માંગ કરી હતી. ત્યારબાદ નેટ બેન્કિંગ અને ગૂગલ પે દ્વારા ઓનલાઇન 4 લાખ 88 હજાર રૂપિયા કઢાવી લીધા હતા.આ દરમિયાન તેમણે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવ્યા હતા.
આ ઘટના પછી વેપારી વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ચારેય પોલીસ કર્મીઓ સામે એક્સટોર્શન, ધમકી અને જબરજસ્તીના આરોપો લગાવાયા છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
આ ઘટના અમદાવાદ પોલીસ માટે લાંછનરૂપ સાબિત થઇ છે. તાજેતરમાં પણ ટ્રાફિક પોલીસ સામે આવી જ પ્રકારની ફરિયાદો આવી હતી. વેપારી સમુદાયમાં આ બાબતે રોષ ફેલાયો છે. આવી ઘટનાઓથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાઇ રહ્યો છે.