અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિથી કરાવ્યો હતો. સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતમાં, મુખ્યમંત્રી તથા મંત્રીસહિતના મહાનુભાવો માં જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરીને મહાઆરતીમાં સહભાગી થયા હતા.
જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટથી આ વર્ષનો વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે.
તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાને આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરાયેલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
એટલું જ નહિ, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રીઓ જગદીશ વિશ્વકર્મા, કુંવરજીભાઈ હળપતિ તથા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શહેરના ધારાસભ્યો, મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના અધ્યક્ષ પ્રભવ જોષી, સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.