ગાંધીનગર : નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે માતાન પંડાલ સજાવવામાં આવ્યા છે. લોકો ગરબાના તાલે ઝૂમીને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના દેહગામના બહિયલ ગામમાં નવરાત્રિની ઉજવણી મોટું વિધ્ન આવ્યું હતું. બે જુથો વચ્ચે નાની વાતમાં મોટી બબાલ થતા માહોલ તંગ બન્યો હતો. મોડી રાતે અરાજકતા ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.બહિયલમાં સ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિવાદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને શરૂ થયો હતો અને ઝડપથી હિંસક અથડામણમાં પરિણમ્યો. ગામમાં ગરબા ઉત્સવ દરમિયાન પથ્થરમારાથી પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને એક દુકાનમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે પોલીસ વાહનોને નુકસાન થયું હતું.
ઘટનાની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, ટોળાને વિખેરી નાખ્યું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી. તણાવને ધ્યાનમાં રાખીને બહિયલ ગામમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પોલીસ હિંસાના સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોનો ઉપયોગ કરીને તોફાનીઓને ઓળખી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ કાફલો તૈનાત છે, અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ હિંસક ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પોલીસે જનતાને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. વહીવટીતંત્રે ગામમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.