અમદાવાદ : નવરાત્રિના તહેવારની ધૂમ વચ્ચે અમદાવાદમાં એક મોટા ગરબા આયોજક પર GST વિભાગે અચાનક દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ દરોડા શહેરના જાણીતા ગરબા આયોજનમાં પાડવામાં આવ્યા છે જેમાં લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી ઉપરાંત પૂર્વા મંત્રીને ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રિની રાત્રિઓ ગરબાના રંગમાં રંગાઈ રહી છે ત્યારે અમદાવાદમાંથી મોટી ખબરો સામે આવી રહી છે. શહેરના જાણીતા ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા છે.અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી તથા પૂર્વા મંત્રીના આયોજિત ગરબાઓમાં પણ આ દરોડાઓ કરવામાં આવ્યા છે. અમદાવાદના મોટા ગરબા સ્થળો જેમ કે રંગ મોરલો, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી પર પણ GSTની ટીમોએ તપાસ કરી છે.
નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમોનું ટર્નઓવર કરોડો રૂપિયાનું હોય છે. આશંકા છે કે નિયત ભાવ કરતાં વધારે ભાવે પાસ વેચવામાં આવી રહ્યા હતા, તેમજ ઘણા પાસ બ્લેકમાં પણ વેચાતા હતા. આ બાબતે અનેક ફરિયાદો મળ્યા પછી GST વિભાગે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના મતે, કુલ 8 થી 10 વધુ જગ્યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
વધુમાં, “સ્વર્ણ નવરાત્રી” જેવા મોટા કાર્યક્રમો માટે એન્ટ્રી પાસ અને સીઝન પાસના અનિયમિત વેચાણમાંથી થતી આવક GST ના દાયરામાં આવે છે. GST વિભાગે આ દરોડા પાડ્યા હતા કારણ કે આ મુખ્ય આયોજકોએ પાસના વેચાણમાંથી થતી આવક પર પૂરતો કર ચૂકવ્યો નથી અથવા કરચોરી કરી છે.