અમદાવાદ : લાંચીયા લોકો સામે ACB સતત કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદમાં RTO સર્કલ પાસેથી મહેસાણા કલેકટર કચેરીમાં જમીન શાખા (એનએ) ટેબાલમાં રેવન્યુ કલાર્ક (વર્ગ-3) તરીકે નોકરી કરતો એક યુવક રૂપિયા 9 લાખની લાંચ લેતા ઝડપાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની મહેસાણાના જોટાણા પાસેની જમીનને બિનખેતીમાં ફેરવવાની કાર્યવાહી મહેસાણા કલેક્ટર કચેરીમાં ચાલતી હતી. આ કામગીરીની મંજૂરી આપવા માટે વિશ્વજીત કમલેકરે ફરિયાદી પાસે રૂપિયા 9 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવા ન ઈચ્છતા, અમદાવાદ ACBનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
ACBએ ફરિયાદીની વાતચીતનું રેકોર્ડિંગ અને ચોક્કસ માહિતીના આધારે છટકું ગોઠવ્યું હતું. આરોપી ક્લાર્ક લાંચની રકમ લેવા માટે અમદાવાદ આવ્યો હતો. ACBની ટીમે અમદાવાદમાં સુભાષ બ્રિજ નજીક આવેલી RTO કચેરી પાસેથી છટકું ગોઠવીને આરોપી વિશ્વજીત કમલેકરને રૂપિયા 9 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.