અમદાવાદ: હિન્દી સિનેમાના સુપરહિટ હિન્દી ફિલ્મના પ્લોટને પણ ટક્કર મારે તેવી રીતે દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે 14 ગુના આચરી ચુકેલા રીઢા આરોપીને દબોચી લીધો છે. લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી નાસી જવા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલા ખુંખાર ફરાર આરોપીને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આરોપીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો. અને તેની સાથે પ્રેમ ભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી. બાદમાં મહિલા પોલીસે આરોપી રિવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો અને દબોચાયો છે.
દાણીલીમડાની મહિલા પોલીસે તોફિક સલીમભાઈ શેખ નામના ફરાર આરોપીને પકડી પાડ્યો છે. મૂળ નારોલના રહેવાસી આ આરોપી સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જોકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 15 મી જુન 2025 ના રોજ એક મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં તોફિક નામના આરોપી સહિતના બે વ્યક્તિઓએ ભેગા મળીને ફરિયાદીને માર માર્યો હતો. આ ગુનામાં સામેલ આરોપી લાંબા સમયથી ફરાર હોય અને ફરિયાદી પણ તેનું આખું નામ જાણતો ન હોય પોલીસે તેને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે પોલીસને હાથે લાગ્યો ન હતો.
દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ આરોપીને પકડવા માટે સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું, જે એકાઉન્ટ પરથી તોફિક શેખને રિક્વેસ્ટ મોકલવામાં આવી, અને થોડા દિવસમાં તોફીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. જે બાદ મહિલા પોલીસ કર્મીએ સામાન્ય યુવતીની જેમ તોફિક સાથે વાતો શરૂ કરી અને તેની સાથે મિત્રતા કરી. અંતે 8 ઓક્ટોબરના રોજ આરોપી તોફિકને મહિલા પોલીસકર્મી મળવા માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવ્યો હતો.
આરોપી તૌફીક સલીમ શેખને મળવા ગયેલા મહિલા પોલીસે આરોપી જોડે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એક્ટીવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટીવા પર બેસી ગઈ અને ચાલાકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઈશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તૌફીક સલીમ શેખને કોર્ડન કરીને દબોચી લીધો હતો.
અમદાવાદ પોલીસના ચોપડે તૌફીક સલીમ શેખ સામે 14 ગુના આચરી ચુક્યાની ફરિયાદ નોંધાઈ છે. રીઢા આરોપીને ઝડપી લેવામાં ઘણું જોખમ હતું, તેમ છતાં દાણીલીમડા પોલીસની મહિલા પોલીસે મેદાને આવી હતી અને બુરખાનો વેશ પલટો કરીને સારી સારી વાતોમાં ફસાવીને આરોપી તૌફીક સલીમ શેખને અમદાવાદના રીવરફ્રન્ટ પર મળવા બોલાવી ઝડપી લેવાયો હતો.
છેલ્લા ઘણા મહિનાથી દાણીલીમડા પોલીસ ઓપરેશન પર કામ કરી રહી હતી અને અંતે સફળ થયું હતું. આરોપી તૌફિક વર્ષ 2014થી ગુનાની દુનિયામાં પગ મુકતાની સાથે જ ક્યારેય અટક્યો નહી અને છેલ્લે દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં મારમારી સહિતનો ગુનો આચરતાની સાથે જ તેની ગુનાહિત દુનિયાનો અંત આવવાની શરૂઆત થઇ હતી. 15 જુનાના રોજ મારામારીનો ગુનો દાણીલીમડા પોલીસ મથકે નોંધાયો ત્યારથી આરોપી પોલીસને હાથતાળી આપતો ફરતો હતો.
જ્યારબાદમાં ઇન્સ્પેકટર હસમુખ પટેલે આરોપીને દબોચવા પ્લાન ઘડયો અને છેલ્લા એક મહિનાથી આરોપી સાથે પોલીસ સ્ટેશનની જ મહિલા કોન્સ્ટેબલે સારી સારી વાતચીત કરીને રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો અને આરોપી દાણીલીમડા પોલીસની ગીરફતમાં આવી ગયો છે. ત્યારે ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ સમગ્ર ગુના ભેદ ઉકેલવાનો શ્રેય દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મીઓને આપ્યો છે.
ત્યારે આરોપી તૌફીક સલીમ શેખના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2014થી વર્ષ 2025 સુધીમા 14 ગંભીર ગુના આચરી ચુક્યો છે. જેમાં શરીર સબંધી 2 ગુના, ચેઇન સ્નેચિંગ 5 ગુના, લૂંટનો એક ગુનો, ચોંટીના 2 ગુના લૂંટ સહિત અપહરણનો એક ગુનો, અસ્કામતનો એક ગુનો, બળજબરીથી પડાવી લેવાનો એક ગુનો અને જેલમાંથી ભાગી જવાનો એક ગુનાનો સમાવેશ થવા પામે છે.