અમદાવાદ : અમદાવાદના આંગણે ફિલ્મફેર એવોર્ડનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે 11 ઓક્ટોબર શનિવારે શહેરમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડને પગલે કાર્યક્રમ સ્થળ નજીક આવેલા કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે બંધ રાખવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે. કાંકરિયા લેક ફ્રન્ટ સાથે સાથે કાંકરિયા ઝુ અને બાલવાટિકા પણ આ દિવસે બંધ રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરમાં આવેલ ટ્રાન્સ્ટેડિયા ખાતે 70મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બનશે. તારીખ 11 ઓક્ટોબરના રોજ ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે 11 ઓક્ટોબરના રોજ સલામતીને ધ્યાનમાં રાખીને કાંકરિયા લેક મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. તારીખ 11 ઓક્ટોબર, શનિવારના રોજ કાંકરિયા લેક, કાંકરિયા ઝુ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત તમામ રાઈડ્સ બંધ રાખવામાં આવનાર છે.
70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025, 11 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. એ રાત્રિ બોલિવૂડના ટોચના સ્ટાર અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે.
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ફરી એકવાર ફિલ્મફેર સ્ટેજ પર ધૂમ મચાવશે. શાહરૂખ ખાને સિનેમા પ્રેમીઓને ગુજરાત આવવા અને રાજ્યની સુંદરતા તેમજ ફિલ્મફેરનો આનંદ માણવા આમંત્રણ આપ્યું છે. 70મા ફિલ્મફેર એવોર્ડ્સ એક સ્ટાર્સથી ભરપૂર સાંજ હશે, જેમાં અભિષેક બચ્ચનથી લઈને સિદ્ધાંત ચતુર્વેદી સુધીના બધા જ લોકો હાજરી આપશે.