ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી 201 એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની નવી 201 બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીએ બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.