અમદાવાદ : રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. નવી મહાનગરપાલિકાઓ સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામતના 27 ટકાનો અમલ કરવામાં આવ્યો છે. જે મુજબ બેઠકોની ફાળવણીની યાદી બહાર પાડવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીની યાદી સામે આવી છે. 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ શહેરની 2011ની વસતિ ગણતરી મુજબ કૂલ વસતિ 5664062 છે. શહેરમાં કૂલ 48 વોર્ડ આવેલા છે જેમાં પ્રતિ વોર્ડ દિઠ સરેરાશ વસતિ 1,18,001 છે. જેમાં સરેરાશ વસતિના 10 ટકા વધારા મુજબ ગણતરી કરીએ તો 1,29,801 અને સરેરાશ વસતિના 10 ટકા ઘટ મુજબ 1,06,201 થાય છે.
ગુજરાતમાં આગામી સમયમાં જૂની 6 અને નવી 9 મળી કૂલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જો SIRના અમલ બાદ ચૂંટણી યોજવામાં આવે તો પાછી ઠેલાઈ શકે છે. અન્યથા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.


