અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ અને પાણીજન્ય રોગોમાં કમળાના 199 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, ઝાડા-ઉલ્ટીના 241 અને ટાઇફોઇડના 223 કેસ નોંધાયા હતા, જોકે કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોવાથી તંત્રને રાહત થઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 250થી વધુ કેસ નોંધાયા હતા. રોજના આઠથી વધુ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના 253 કેસ, મેલેરિયાના 84 કેસ, અને ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, આ જ સમયગાળામાં ઝાડા-ઉલટીના 241 કેસ, ટાઇફોઇડના 223 કેસ અને કમળાના 199 કેસ પણ નોંધાયા હતા.
ચોમાસા અને શિયાળા એવી ડબલ ઋતુના કારણે લોકોમાં વાઇરલ ફીવરના કેસો વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1475 જેટલા તાવ શરદી ઉધરસ સહિતના કેસોના દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવી રહી છે.
રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની અલગ અલગ પ્રાથમિક સુવિધાની ફરિયાદો શહેરીજનો કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લીમીટેડના CCRS પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ ફરિયાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. વ્હોટ્સએપ નંબર 7567855303 ટેક્નિકલ કારણોસર બંધ થયા બાદ હવે સુધારીને ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી, હવે નાગરિકો ફરીથી રોડ, પાણી, ગટર, કચરો અને લાઈટ જેવી સુવિધાઓ અંગેની ફરીયાદો સરળતાથી નોંધાવી શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીમાં ક્લોરિનની તપાસ માટે 40969 પાણીના નમૂના એકત્ર કર્યા હતા, જેમાંથી પાંચ નમૂનાઓમાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય (નહિવત્) જોવા મળ્યું હતું. વધુમાં, બેક્ટેરિયલ દૂષણ માટે 5387 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંના 10 નમૂનાઓ ઉપયોગ માટે અયોગ્ય જણાયા હતા.
આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચોમાસા પછી રોગોમાં સામાન્ય રીતે વધારો થાય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની સમાપ્તિ સાથે મિડ નવેમ્બર સુધીમાં ચેપના કેસોમાં વધારો થવાની સંભાવના છે.


