અમદાવાદ : અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં દૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કુતરાને લઈને પાર્કિંગમાંથી જઇ રહી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને કુતરાએ બાળકની પાછળ દોટ મુકી હતી. એક બાળક નીચે પડી જતાં કૂતરાએ દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલિગન્સ નામના ફ્લેટમાં 45 વર્ષે વ્યક્તિ રહે છે અને પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમનો છ વર્ષનો પુત્ર છે. 5 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે તેમનો પુત્ર ફ્લેટની નીચે પાર્કિંગમાં રમતો હતો ત્યારે ફ્લેટમાં રહેતાં મહિલા તેમનો પાલતું કૂતરો જર્મન શેફર્ડને લઈને નીચે ફરતાં હતાં. દરમિયાન છ વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થતું તો ત્યારે જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક જ તેના ઉપર હુમલો કરી દીધો હતો, જેથી બાળક ગભરાઈ ગયું હતું અને દોડવા જતાં તેને સામાન્ય બચકું ભરી લીધું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા.
આ બાળકે શ્વાન કરડ્યા બાદ ઘરે જઈને પરિવારને આખી વાતની જાણ કરી હતી. આ દરમિયાન તેના પિતાને અન્ય બાળકને પણ આ શ્વાન કરડ્યાની માહિતી મળી હતી. જેથી આ લોકો બંને બાળકોને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
બાળકને કરડી જવાની ગંભીર ઘટના બાદ બાળકના વાલીઓએ શ્વાનના માલિક વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલીસે ફરિયાદના આધારે શ્વાનના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.


