અમદાવાદ : અમદાવાદ પૂર્વમાં મણિનગર, કાંકરિયા, દાણી લીમડા અને રાયપુર દરવાજા આ તમામ પૂર્વીય અમદાવાદના ખૂબ જ વ્યસ્ત માનવામાં આવતા વિસ્તારો છે, અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરશે જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય. રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ રસ્તો હાલના 15 મીટરથી વધારી 25 મીટર પહોળો કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાયપુર દરવાજાથી કાંકરિયા લેકફ્રન્ટ સુધીના રસ્તાને પહોળો કરાશે. જેથી આ વ્યસ્ત વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય.જેમાં રોડ પર આવતા 7 રેસીડેન્શિયલ અને 31 કોમર્શિયલ તથા એક ધાર્મિક સ્થળની દેરી, એક ટોઈલેટ સહિત કુલ 41 મિલ્કત કપાતમાં જશે. આ રોડ કપાત માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે.શહેરના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધીના રોડ પર 10 એકર મોલથી વોરાના રોજા સુધીના બોટલનેક 15.25 મીટરના વન- વે રોડને 24.38 મીટર પહોળો કરવામાં આવશે.
આ રોડ પૈકી 10 એકર મોલથી વોરાના રોજા સુધીના 15-25 મી રોડ વન-વે છે. આ રોડને પહોળો કરવા હેતુસર રોડલાઈન પ્રિસ્ક્રાઈબ કરવા માટે બે અગ્રણી વર્તમાનપત્રમાં જાહેરખબર આપીને 30 દિવસમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી મધ્ય ઝોનના એસ્ટેટ ડ્રોઇંગ બાન્ય તેમજ એસ્ટેટ- ટીડીઓ વિભાગને એકપણ વાંધા અરજી કરવામાં આવી નથી.
આ રસ્તો શહેરના પૂર્વ ભાગના મહત્વના માર્ગોમાંનો એક છે. અહીં પિક અવર્સમાં વાહનોની લાંબી કતારો હોય છે. સારંગપુર બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી સમસ્યા વધી છે, જેના કારણે રહેવાસીઓને શહેરના પશ્ચિમ ભાગો તરફ જવા માટે ખોખરા બ્રિજનો ઉપયોગ કરવો પડે છે.
તાજેતરમાં જ અહીં ફિલ્મફેર યોજાયો હતો. આ સાથે કાંકરિયા ખાતે પર્યટકો આવતા રહે છે અને અલગ અલગ ઉજવણીઓ પણ થતી રહે છે, તે સમયે અહીં ટ્રાફિકનો ધસારો ખૂબ જ રહે છે.


