અમદાવાદ : શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડ ચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અન્ય મોપેડ સવાર યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવમાં રહેતો ગોવિંદ પરમાર નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત મોડી રાતે ગોવિંદભાઈ તેમના પિતરાઈ ભાઈ શૈલેષ સાથે એક્સેસ પર કઠવાડા ચોકડીથી નીકળી ઘર જતા હતા. ગોવિંદભાઇએ એક્સેસ ચલાવી રહ્યા હતા, ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે પહોંચતા ડમ્પરચાલકે એક્સેસને પૂરઝડપે ટક્કર મારી હતી. અકસ્માત કરીને ડમ્પરચાલક ડમ્પર લઈને સિંગરવા તરફ નાસી ગયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સવાર ટુ-વ્હીલર પરથી ફંગોળાઈ ગયા હતા. ગોવિંદ પરમારને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે શૈલેષ પરમારને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ મામલે મૃતકના સંબંધી અને ઓઢવના રહેવાસી મહેશભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


