અમદાવાદ : શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલોડિયામાં બ્રાન્ડેડ વિદેશી દારૂના નામે સસ્તો દારૂ વેચવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સોલા પોલીસે આ ઠગાઈભર્યા કૃત્યને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલોમાં સસ્તો અને હલકી ગુણવત્તાનો દારૂ ભરીને ઊંચા ભાવે ગ્રાહકોને વેચી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ ગુનાને અંજામ આપનાર આરોપી કિરણ ખટીક નામના શખ્સની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા પોલીસે બાતમીના આધારે ચાંદલોડિયામાં આવેલી ગજરાજ સોસાયટીના મકાનમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દારૂની અનેક બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂની બોટલ સાથે કિરણ ખટીક નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલ લાવતો હતો, જેમાં સસ્તો દારૂ ભરીને વેચી દેતો હતો.આરોપી પાસેથી દારૂ ભરેલી 52 બોટલ મળી આવી છે, જ્યારે બ્રાન્ડેડ દારૂની પણ 13 ખાલી બોટલ મળી આવી છે.
આરોપી પાસેથી 19931 રૂપિયાના દારૂ સહિત કુલ 24931 રૂપિયાનો મુદ્દામાલા કબજે કરવામાં આવ્યો છે. આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.


