ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓને અગાઉ દારૂ ખરીદવા અને પીવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે, બહારથી આવનારા પ્રવાસીઓ તેમના મોબાઇલ ફોન દ્વારા દારૂ પરમિટ મેળવી શકશે. સરકાર આ પ્રક્રિયામાં GIFT સિટી લાયસન્સને પણ એકીકૃત કરી રહી છે. ગુજરાતમાં દારૂ પરમિટ આપવા માટે એક મોબાઇલ એપ વિકસાવવામાં આવશે.એકાદ મહિનામાં જ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે આ સુવિધા શરૂ થાય તેવી શક્યતા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારે દારૂ પીણાં માટે પરમિટ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે એક મોબાઇલ એપ પ્રદાન કરશે જેથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને મુલાકાતીઓ દારૂ પીવા માટે આ દારૂ મુક્ત રાજ્યમાં દારૂ પી શકે. લોકો મોબાઇલ એપ દ્વારા દારૂ પરમિટ મેળવી શકશે. હાલમાં, રાજ્ય સરકારની વેબસાઇટ પર પરમિટ માટે અરજી કરવાની રહેશે. ગુજરાતમાં સંપૂર્ણ દારૂ પર પ્રતિબંધ છે. GIFT સિટી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પરમિટ સાથે સમગ્ર વિસ્તારમાં દારૂ પીવાની પરવાનગી છે. સરકારના આ નિર્ણયથી કાગળકામ પણ ઓછું થશે અને પ્રવાસીઓ અને વિદેશીઓને સુવિધા મળશે.
સ્ટાર હોટલ-રિસોર્ટ પર દારૂની દુકાનમાં ફોર્મ ભરવાથી માંડીને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે જે આધારે પરમિટ અપાય છે. આ બધીય ઝંઝટમાંથી મુક્તિ કરવાના ભાગરુપે સરકારે એક મોબાઇલ એપ વિકસાવી છે જેમાં આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજો અપલોડ કરી શકાશે. આ ઉપરાંત પેમેન્ટ પણ ચૂકવી શકાશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ ઓનલાઇન પરમીટ અપાશે જે આધારે માન્ય હોટલ-રિસોર્ટ પરથી પરમીટધારક દારૂની ખરીદી કરી શકશે. આ જ સુવિધા ગિફ્ટ સીટીમાં પણ ઉપલબ્ધ કરાશે. અહીં નોકરી કરનારાંને પણ દારૂ પીવાની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે હવે ઓનલાઇન પરમીટ મેળવી શકાશે.
મોબાઇલ એપ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ હશે.મોબાઇલ એપ્લિકેશનનું ટ્રાયલ થઇ ચુક્યુ છે. પંદરેક દિવસમાં જ મોબાઇલ એપથી દારૂની પરમિટ મળતી થઇ જશે તેવુ જાણવા મળ્યુ છે. સરકારનો દાવો છે કે, સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે દારૂ પરમિટ મેળવવાનું સરળ બનશે. ટૂંકમાં, રાજ્ય સરકારે દારૂ પીનારાઓને પરમીટ માટે હેરાનગતિ ન થાય તેવી વ્યવસ્થા કરી છે.
ગુજરાતમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના બહાને દારૂની છૂટછાટ આપવામાં આવી રહી છે. એવી ચર્ચા છે કે, ગિફ્ટ સિટી પછી સુરતમાં ડાયમંડ બુર્સ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છના રણોત્સવ સહિત પ્રવાસન સ્થળોએ આવનારાં પ્રવાસીઓને દારૂ પીવાની સુવિધા મળી રહે તે માટે વિચારણા ચાલી રહી છે.


