જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે, જેથી વહીવટી તંત્ર અન સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવે સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે.
સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવે માત્ર પ્રતીકાત્મક પરિક્રમા યોજાશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો ભાગ લેશે. ઇન્દ્રભારતી બાપુએ ભાવિકોને સંદેશ આપ્યો કે તેઓ પોતાના ઘરમાં જ આસ્થાપૂર્વક પરિક્રમા કરે અને માતા-પિતાના આશીર્વાદથી ધાર્મિક નિયમો પાળે.પરિક્રમા રૂટ પર ભારે વરસાદના કારણે કાદવ અને કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ તૂટી ગયેલા છે અને ભારે વાહનો ફસાઈ જવાની સ્થિતિમાં છે. ભાવિકોની સલામતી જોખમાય તેવી સ્થિતિને જોતા તંત્રએ આ વર્ષ માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
જંગલમાં ભીનાશ અને ઠંડીના કારણે રાત્રિ રોકાણ કરનાર ભાવિકો માટે અગવડતા ઉભી થઈ છે. સૂકા લાકડાનો અભાવ હોવાથી ભોજન બનાવવામાં મુશ્કેલી પડે છે, જેને કારણે અન્નક્ષેત્રોને પણ ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રી મેળો જૂનાગઢના અર્થતંત્ર માટે કરોડો રૂપિયાનું બૂસ્ટર છે. આ વર્ષે પરિક્રમા રદ થવાથી દાણાપીઠના વેપારીઓ, હોટેલ વ્યવસાયીઓ, અન્નક્ષેત્રો અને નાના કારીગરોને મોટું આર્થિક નુકસાન થશે. હજારો કિલો અનાજ અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક તૈયાર રાખનાર વેપારીઓ હવે ભારે નુકસાનમાં જશે.દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લે છે. પરંતુ વરસાદી માહોલ અને માર્ગની ખરાબ હાલતને કારણે આ વર્ષે તેઓ નિરાશ થયા છે. અનેક વેપારીઓ અને સેવાધારી મંડળો જે આ મેળાથી વાર્ષિક આવક મેળવે છે, તેઓ પણ આર્થિક મુશ્કેલીમાં છે.
ગિરનાર પરિક્રમા માત્ર યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો પ્રતીક છે. આ યાત્રા કારતક મહિનામાં યોજાય છે અને પાંચ દિવસ ચાલે છે. ભવનાથથી શરૂ થઈ બોરદેવી સુધીની આ પરિક્રમા હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પુણ્યનું કારણ રહી છે.આ વર્ષે ભલે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ભાવિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.


