ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા માટેનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જેથી તમામ સરકારી કચેરીઓએ આ દાખલાને માન્ય રાખવા માટે આદેશ અપાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હાલમાં CRS Portal માં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકે છે. અત્યાર સુધી જ્યાં સુધી રજીસ્ટ્રાર સહી ન કરે ત્યાં સુધી આ દાખલા પડ્યા રહેતા હતા. જેના કારણે કેટલાક કિસ્સાઓમાં તો મહિનાઓ સુધી દાખલા મળતા નહોતા. જેથી સરકાર દ્વારા હવે ડિજિટલ સિગ્નેચરને પણ માન્ય રાખવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં જન્મ-મરણની નોંધણી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે તા. 01 સપ્ટેમ્બર, 2025 થી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર કરવામાં આવી રહી છે. જેના કારણે પ્રક્રિયા ન માત્ર સરળ પરંતુ ઝડપી પણ બની છે. જન્મ તથા મરણનો દાખલા મળવા માટે જે નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા તેમાં પણ રાહત મળી છે.


