અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘરસફાઈ કરવાના બહાને પ્રવેશી, સિનિયર સિટીઝન દંપતીના ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરનાર ત્રણ શખ્સોની વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા રૂ.4.25 લાખના દાગીના અને અન્ય કિંમતી સામાન કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં જયાબેન પટેલનું મકાન આવેલુ છે. જયાબેને મકાનની સફાઈ કરવા જી. જે. હોમ ક્લીનીંગ નામની નામની ઓનલાઈન કંપનીમાં જાણ કરી હતી. જેમાંથી ત્રણ યુવકો આવ્યા હતા. ઘરની સફાઈ કરીને બપોરે જમીને આવીએ છીએ તેમ કહીને નીકળી ગયા હતા. બાદમાં જયાબેન અને તેમના પતિ ભરતભાઈ ઘરનું કામ કેવું કર્યુ છે તે જોવા માટે બીજા રૂમમાં ગયા હતા. ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સોના ચાંદીના સહિત કુલ રૂ. 4.25 લાખની મતા ચોરી થઇ હતી. જયાબેને વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાનમાં બે આરોપીઓ પરત આવતા તેમને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના લોકેશ કિર, સુનિલ કિર, અર્જુન કિરને ઝડપી પાડી રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં સામે આવ્યુ કે ત્રણેય આરોપીઓએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. ચોરી કરીને પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને બે આરોપીઓ પાછા આવી ગયા હતા. બંને આરોપીઓની પોલીસ શોધખોળ કરતી હતી અને રાહ જોઇને બેઠી હતી ત્યારે પરત આવતા જ બંનેને ઝડપી લીધા હતા.


