ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. આવતીકાલ તા.17 નવેમ્બરથી તેના ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં સબ ઓડિટર, પેટા તિજોરી અધિકારી સહિતની પોસ્ટ માટે કુલ 426 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેના 17 નવેમ્બર બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થશે. જેમાં આગામી 30 નવેમ્બર, 2025ના રાત્રે 23:59 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.

GSSSBએ રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંગેનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. ભરતી માટે આવતીકાલે સોમવારે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-3 માટે 321 જગ્યા અને હિસાબનીશ ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક વર્ગ-3 માટે 105 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયમ આધારિત સ્નાતક કક્ષાના ઉમેદવારો ફોર્મ ભરી શકશે.




