અમદાવાદ : આજે સોમવારે અમદાવાદના રોડ રસ્તાઓ પર અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અચાનક શહેરના હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.તેઓએ રોડ રસ્તાની ગુણવત્તા મુદ્દે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે નિરીક્ષણ કર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના દક્ષિણ–પશ્ચિમ ઝોનમાં નવા બની રહેલા 30 મીટર પહોળાઈ માર્ગના હોટ મિક્સ રોડ સરફેસિંગનું નિરીક્ષણ કર્યું હતું. આ નવો 30 મીટર પહોળાઈનો માર્ગ તૈયાર થતાં એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ ઘટશે.
હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનર દ્વારા સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટ મિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કમિશનરે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને માર્ગના કામો દિવસ અને રાત્રિ ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
રાજ્યમાં રોડ-રસ્તાની ગુણવત્તા બાબતે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તેજ તેવર જોવા મળ્યા હતા. તેમણે રાજ્યમાં માર્ગો-રોડ-રસ્તા-પૂલોના બાંધકામમાં ક્વોલિટી પર સતત ભાર મૂક્યો હતો. સાથે જ અધિકારીઓને ફિલ્ડ પર જવા માટે સૂચનાઓ આપી હતી. જેના ભાગ રૂપે એએમસી કમિશનર બંછાનિધિ પાની પણ ઓન ફિલ્ડ જોવા મળ્યા હતા.


