અમદાવાદ : શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને જાહેર પરિવહનને સુદૃઢ બનાવવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા બે મહત્ત્વના મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પશ્ચિમમાં અખબારનગર અને પૂર્વમાં હંસપુરા ખાતે આ હબ બનાવવાનું આયોજન છે. AMTS દ્વારા હંસપુરા ખાતે ૨૩૩ કરોડના ખર્ચે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP)ના ધોરણે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે ઓફર મંગાવવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમમાં આવેલા અખબારનગર વિસ્તારમાં 18 માળનુ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા AMTS દ્વારા ટેન્ડર કરાયુ હતુ. અખબારનગર બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હંસપુરા ખાતે નરોડા -દહેગામ રોડથી નજીક અમદાવાદ પૂર્વમાં વધતા જતા વિકાસ અને ટ્રાફિકની સમસ્યાને ઘ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ હબ બનાવવા આયોજન કરવામા આવ્યુ છે.આ હબમાં ઓછામા ઓછી 100 મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ પાર્ક થઈ શકે એ માટે વ્યવસ્થા કામગીરી મેળવનાર એજન્સીએ વ્યવસ્થા કરવાની રહેશે.
આ હબમાં 3554 સ્કેવરમીટર જગ્યામા મ્યુનિ.બસો માટે પાર્કિંગ બનશે.જયારે 9,020 સ્કેવરમીટર જગ્યામાં કોમર્શીયલ ડેવલપમેન્ટ કરવા માટે આયોજન કરાશે. કુલ પ્રોજેકટ કોસ્ટ પૈકી 46.31 કરોડ બસ પાર્કિંગ તથા 187.35 કરોડ કોમર્શીયલ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરવામા આવશે.આ હબ કાર્યરત થયા પછી પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની ગીચતા ઘટશે તેવો તંત્ર તરફથી આશાવાદ વ્યકત કરવામા આવ્યો છે.


