અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓની અવરજવરને નિશાન બનાવી અસામાજિક તત્વો દ્વારા થતા કિસ્સાઓથી ચિંતાનો માહોલ સર્જાયો છે. આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને હવે ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓની સુરક્ષા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. આગામી 30 દિવસ સુધી આ ખાસ રાત્રી ડ્રાઇવ ચાલુ રહેશે, જેમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં સતત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચ અને she ટીમ દ્વારા શરુ કરાયેલ આ ડ્રાઇવ અંતર્ગત મહિલાઓની અવરજવર વધુ જોવા મળતા વિસ્તારોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને SG હાઈવે, SP રિંગ રોડ, રિવરફ્રન્ટ સહિતના માર્ગો અને જાહેર સ્થળોએ રાત્રે ભારે પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ ટીમો સતત ફરજ પર રહેશે જેથી અસામાજિક તત્વો, રોમિયો ગેંગ અને શરારતી લોકો પર નિયંત્રણ મેળવી શકાય. રાત્રિ દરમિયાન રસ્તાઓ પર ભટકતા, મહિલાઓને હેરાન કરતા કે શંકાસ્પદ વર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે.
ગત રોજ બે યુવક મહિલાઓને જોઈને જાહેરમાં ન્યુસન્સ ઉભુ કરી રહ્યા હતા, જ્યારે એક વાહનચાલક ગંદી કોમેન્ટ કરી રહ્યો હતો. પોલીસે જાહેરમાં શૌચ કરતા યુવકની પણ ધરપકડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે. આ ડ્રાઈવ સતત 30 દિવસ સુધી ચાલુ રહેશે. જે દરમિયાન શી ટીમ સાથે મળીને મહિલા ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચની ટીમ કાર્યવાહી કરશે.
પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત 100, મહિલા હેલ્પલાઈન 1091 કે ક્રાઈમ બ્રાન્ચ કંટ્રોલ રૂમ 079-23254300 પર જાણ કરો. આ અભિયાનથી અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત મહિલા-મૈત્રી શહેર બનાવવાનો પોલીસનો સંકલ્પ છે.


