અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવા વાડજમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પતિ પત્નીની ધરપકડ કરી છે.આરોપી પતિ પત્ની મૂળ રાજસ્થાની છે જેથી ત્યાંથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં વેચતા હતા. મહિલાનો ભાઈ પણ રાજસ્થાનથી ડ્રગ્સ મોકલતો હતો જે દંપતિ ચાર મહિનાથી અમદાવાદમાં વેચતા હતા. પોલીસે 35.77 લાખમાં ડ્રગ્સ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવા વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ભાડાના મકાનમાં રહેતા 28 વર્ષીય કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની 24 વર્ષીય રાજેશ્વરી બિશ્નોઇને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દંપતી પાસેથી નેટ 357 ગ્રામ 750 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35,77,500 રૂપિયા છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રોકડા 22,800 રૂપિયાના બે મોબાઇલ ફોન, બે આધાર કાર્ડની નકલ, બેટરીવાળો વજનકાંટો, અને 53 નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ સહિત કુલ 36,40,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દંપતી નવા વાડજની ખત કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતું હતું. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી મહિલા રાજેશ્વરી રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા તેના મામાના દીકરા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવી હતી. મહિલા આરોપીએ છેલ્લા ચાર મહિનામાં પાંચથી છ વખત ડ્રગ્સની ખેપ મારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહિલાના મામાના દીકરાએ તેને ડ્રગ્સના વેચાણ માટે મનાવી હતી.
શહેરમાં વધતા નશાના રેકેટને ધ્યાને રાખીને ક્રાઈમ બ્રાંચે ઓપરેશન ચલાવી આ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં દંપતીને રિમાન્ડ પર લઈ વધુ નેટવર્ક વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આ પગલાંથી શહેરમાં ચાલતા ડ્રગ્સના ગોઠિયાં પર મોટી અસર પડશે અને આગળના દિવસોમાં વધુ ખુલાસાઓની શક્યતા છે.


