અમદાવાદ : અમદાવાદમાં રોજેરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં GMDC ગ્રાઉન્ડ નજીક અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પૂરપાટ ઝડપે બાઈક ચલાવતા અકસ્માત સર્જાયો છે. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડીરાત્રે તેનું BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ જતા GMDC ગ્રાઉન્ડની બહાર આવેલા BRTS ના રેલિંગ પાસે પાર્થ પૂર ઝડપે બાઈક લઈને અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે, તે બાઇક રેલિંગ સાથે ટકરાતા પાર્થને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા પાર્થના ભાઈ અને પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં, ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની મદદથી અકસ્માત સર્જીને ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે
તમને જણાવી દઈએ કે ગત (1 ડિસેમ્બર) પણ અમદાવાદના SG હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગાંધીનગરથી બાઇક પર કામ પર જઈ રહેલા કથન ખારચર નામના યુવાનને નિરમા યુનિવર્સિટી નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. SG-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિરમા યુનિવર્સિટી નજીક તેને ટક્કર મારનાર ડ્રાઇવર ફરાર થયો હતો.


