અમદાવાદ : અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ બંધ કરાયો છે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા સમીસાંજથી મોડી રાત સુધી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. બ્રિજની બંને તરફ એક સ્પાનનો ભાગ નમી ગયો છે. બ્રિજનું પ્રાથમિક રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં ભાગ નમેલો હોવાને લઈને આ બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થશે. રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક ઇન્સ્પેક્શન કરીને આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જો બ્રિજમાં ગંભીર ખામી સામે દેખાશે તો બ્રિજને બેથી ત્રણ જેટલા મહિના સુધી બંધ કરવો પડશે.

અમદાવાદનો આ બ્રિજ વર્ષો જૂનો છે. જેનું નિર્માણ 1973માં કરવામાં આવ્યું હતું, મુખ્ય વાત એ છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ એક મહત્ત્વનો બ્રિજ છે. અમદાવાદ શહેરમાં બ્રિજ પ્રોજેકટ ખાતેથી પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલ સુભાષ બ્રિજના ડીટેઇલ ઇનસ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એક સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું હાલ જાણવા મળ્યું છે. તેવામાં તેનું સમારકામ કર્યા બાદ બ્રિજ ફરી શરૂ કરવામાં આવી શકે છે.
સેફટીના ભાગ રૂપે આ બ્રિજને આજથી પાંચ દિવસ સુધી જાહેર જનતાના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માટે વૈકલ્પિક રુટ તરીકે નદી પરના આવેલ દધીચી બ્રિજનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.જે પણ લોકો રોજ આ બ્રિજનો ઉપયોગ કરે છે, તેમને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. કારણકે બ્રિજ બંધ થવાને કારણે તેમને ફરી ફરી અન્ય બ્રિજ પરથી જવું પડશે.


