અમદાવાદ : જેનું અમદાવાદીઓને અનેરું આકર્ષણ રહે છે તેવા ‘અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ 2025-26’નો આજથી પ્રારંભ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 પ્રારંભ કરાવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસજી હાઈવે, સીજી રોડ, સિંધુભવન રોડ વગેરે જગ્યાએ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે શોપિંગ ફેસ્ટિવલની થીમ લોકલ ફોર વોકલ રાખવામાં આવી છે. જ્યારે હેરિટેજ વોક, યુથ અને ફૂડ સ્ટોલ તેમજ એરપોર્ટ, મુખ્ય બજારો, મેટ્રો સ્ટેશનને પ્રમોટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલિથીન બેગ મુક્ત ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.જેમાં 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ સક્રિય રહેશે. પ્રવાસીઓ માટે ફૂડ, મ્યુઝિક, કલ્ચરલ ઇવેન્ટ્સ અને ડિજિટલ સુવિધાઓ સાથે આ ફેસ્ટિવલ શહેરને પ્રતિષ્ઠિત રિટેલ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરશે.
ફેસ્ટિવલ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ, લાઈવ મ્યુઝિક શો, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન અને ફેમેલી એન્ટરટેનમેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મ્યુઝિક શો માટે દેશના જાણીતા કલાકારો ખાસ પરફોર્મન્સ કરશે. આ સાથે શોપિંગ ફેસ્ટિવલની મોબાઈલ એપ પણ લોન્ચ કરાઈ છે. શોપિંગ ફેસ્ટિવલ માટે AMTS-BRTS માં ફ્રીમાં મુસાફરી કરી શકશે. ફેસ્ટિવલમાં ગ્રાહકોને 15થી 35 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.
શોપિંગ ફેસ્ટિવલમાં 8000થી વધુ વેપારીઓ સહભાગી થશે. ફેસ્ટિવલ દરમિયાન શહેરના 6 ડેસ્ટિનેશન અને 12 હોટસ્પોટ મહત્ત્વના રહેશે. સિંધુભવન રોડ, સીજી રોડ, નિકોલ મોર્ડન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


