ગાંધીનગર : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે આજે ACBએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનના ગુનાહિત કેસ ગુ.ર.નં. 22/2024 સંદર્ભે ફરીયાદી તથા તેના મિત્ર સામે કોઈ કાર્યવાહી ન થાય તે બદલ આરોપીઓએ રૂ. 30,00,000/-ની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતો ન હોવાથી તેણે જાગૃત નાગરિક તરીકે ACBનો સંપર્ક કર્યો હતો.ટ્રેપ દરમિયાન આરોપી આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇએ ફરિયાદી સાથે રૂબરૂ મુલાકાત કરી લાંચની રકમ સ્વીકારી હતી.
ટ્રેપ દરમિયાન આરોપી નં. 2 વિપુલભાઇ દેસાઇએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરીને લાંચ પેટે રૂ. 30 લાખની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન આરોપી નં. 1 પેથાભાઇ પટેલે પણ લાંચ લેવાની સંમતિ આપી બંનેએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. ACBની ટીમે તરત જ કાર્યવાહી કરી સમગ્ર લાંચની રકમ જપ્ત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહીનું નેતૃત્વ ડી.એન. પટેલ, પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે ACBની અનુભવી ટીમ ટ્રેપ દરમિયાન હાજર રહી હતી. સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પારદર્શિતાપૂર્વક હાથ ધરવામાં આવી.
આ ટ્રેપની દેખરેખ ડી.એન. પટેલ, ઇન્ચાર્જ મદદનિશ નિયામક, ACB અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારીઓના માર્ગદર્શનથી કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ થઈ.


