અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે એ પોલીસકર્મીઓ જ જો દાદાગીરી પર ઉતરી આવે, વર્દીના રોફમાં પોતાની જાતને કંઈક ઔર જ સમજવા લાગે તો શું? તો આવા પોલીસકર્મીને કાયદાનું ભાન કોણ કરાવશે? આ સવાલ કરવાનું કારણ એ છે કે શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાની ગંભીર ઘટના બની છે. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલાની ગંભીરતા જોતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લાફા મારનાર પોલીસકર્મીનું નામ જયંતીભાઈ ઝાલા હોવાનું અને તે N ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વાસણામાં રહેતા મહિલા શુક્રવારે સાંજે 6:30 કલાકે પાલડી ચાર રસ્તા પાસે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું. મહિલાએ લાયસન્સ આપ્યું હતું. જો કે મહિલાનો દાવો છે કે તેણે પોલીસકર્મીને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતાં જ તે ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે મહિલાએ સામે કહ્યું કે “પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો ? તમારું આઈડી બતાવો.” વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.
સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ હતી, જેને લઈને ડીસીપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
જોકે, આ મામલે માત્ર પોલીસકર્મી જ નહીં પરંતુ મહિલા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ ભૂતકાળમાં આવું વર્તન કર્યું છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
DCP પોલીસની કામગીરી અંગે વાત કરતા DCP ભાવનાબેન પટેલે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, ‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસે હંમેશા નાગરિકો સાથે પ્રેમ અને શાંતિથી વર્તવું જોઈએ.’


