અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં આવેલ પ્રભુદાસ ઠકકર કોલેજ ખાતે બે દિવસ અગાઉ સવારના સમયે પશ્ચિમ ઝોન ટેકસ વિભાગની ટીમ પહોંચી હતી.જયાં 11.77 લાખ ટેક્સ બાકી હોવાથી ટીમ દ્વારા દરવાજા ઉપર સીલ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો હતો.જો કે કોલેજ સત્તાવાળાએ રજૂઆત કરતા મ્યુનિ.એ વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલી આપ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વાસણાની પી.ટી. ઠક્કર કોલેજનો 11.77 ટેક્સ બાકી હોવાથી મ્યુનિ.એ કોલેજ સીલ કરી હતી. સરકાર સંચાલિત કોલેજને સીલ કર્યા બાદ સત્તાવાળાએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની કામગીરી ચાલતી હોવાથી હાલ પૂરતું સીલ ખોલી આપવા અને 31 જાન્યુઆરીમાં બાકી ટેક્સ ચૂકવી દેશે તેવી બાંયધરી આપી હતી. એ પછી મ્યુનિ.એ વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલી આપ્યું છે.
આ કોલેજ દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવ્યો નહોતો. કોલેજ વહીવટી તંત્ર પાસે કુલ 11 લાખ 77 હજાર રૂપિયા જેટલી માતબર રકમનો ટેક્સ લેણો નીકળતો હતો. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સની ભરપાઈ ન થતા અંતે એએમસીની ટીમે કોલેજ પરિસર પહોંચીને મુખ્ય દરવાજે સીલ મારી દીધું હતું.
ઉલ્લેખનીય છેકે, મ્યુનિ. ટેક્સ વિભાગે અત્યારે વ્યાજ માફી યોજના અમલી બનાવી છે, ત્યારે હજુ પણ અનેક ટેક્સ બાકીદારો યોજનાનો લાભ લેતા નથી.


