અમદાવાદ : અમદાવાદમાં રખડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શેરી અને રખડતા કૂતરા માટે નવા પોલિસી લાગુ કરી છે. જે મુજબ હવે રખડતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. આ માટે શહેરમાં 126 સ્પોટ નક્કી કરાયા છે, ત્યાં જ તેમને ભોજન આપી શકાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનું પગલુ ભર્યું છે. અમદાવાદમાં હવે રખતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. નવી પોલિસી અંતર્ગત મ્યુનિસિપાલિટીએ 126 જગ્યા નક્કી કરી છે. માત્ર આ જ જગ્યા પર કૂતરાઓને ખાવાનું ખવડાવી શકાશે. જેમાં વોર્ડ દીઠ એક કે બે સ્થળો નક્કી કરાયા છે. આ માટે કોર્પોરેશન આગામી સમયમાં નવા નિયમો બનાવશે. જેમાં કૂતરાઓને રોડ પર અપાતા ભોજનથી થતી ગંદકીને પણ અટકાવી શકાશે.
કોર્પોરેશન આ સ્થળ પર પોસ્ટર લગાવીને લોકોને જાગૃત કરશે. તેમજ પોસ્ટર પર સૂચનાઓ લખેલી હશે કે, કૂતરાઓને આ સ્થળે જ ભોજન આપવું. આ માટે કેટલાક સ્મશાનોની જગ્યા પણ સામેલ કરાઈ છે. જ્યાં કૂતરાઓની સંખ્યા જોવા મળતી હોય છે. આ વિશે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, લોકોને પ્રેરિત કરાઈ રહ્યાં છે કે ત્યાં જઈને જ કૂતરાંને ખવડાવે. દરેક વોર્ડ, ઝોન, લોકોની નજીકની જગ્યા નક્કી કરાઈ છે.
કોર્પોરેશનના આ નિયમોનો ભંગ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કોર્પોરેશનની નિયત કરેલી જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યા પર કૂતરાઓને ખાવાનું આપશે તો તેના પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ડોગ ફીડિંગ સ્પોટની ઝોન મુજબ વિગતો
સેન્ટ્રલ ઝોન: સારંગપુર પાણીની ટાંકી પાસેના વિસ્તારો, ગીતા મંદિર એસટી બસ સ્ટેશન અને શાહીબાગમાં જૂના પોલીસ કમિશનરની ઓફિસની સામેના વિસ્તારો સહિત કુલ 12 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
પૂર્વ ઝોનઃ આ ઝોનમાં સૌથી વધુ 18 ફીડિંગ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. તેમાં રખિયાલ, ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને સ્મશાન વિસ્તારનો સમાવેશ થાય છે.
ઉત્તર ઝોન: કુલ 13 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે, મુખ્યત્વે સરદારનગર, કુબેરનગર અને મેઘાણીનગરમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની નજીક.
નોર્થ વેસ્ટ ઝોન: 14 સ્થાનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગોતા તળાવ, સોલા હાઈકોર્ટ અને ઈસ્કોન ચાર રસ્તા નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે.
દક્ષિણ ઝોન: મણિનગર, ખોખરા, ઈસનપુર અને વટવા જેવા વિસ્તારોને આવરી લેતા આ ઝોનમાં મહત્તમ 20 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
દક્ષિણ પશ્ચિમ ઝોન: જોધપુર, વેજલપુર અને મકરબા રોડ સાથેના વિસ્તારો સહિત કુલ 8 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
પશ્ચિમ ઝોન: નવરંગપુરા (લો ગાર્ડન પાસે), સાબરમતી, રાણીપ અને પાલડીના સ્થળો સહિત કુલ 15 ફીડિંગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.


