અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના વિશ્વખ્યાત પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ ડો. અસીમ શુક્લાએ બાળકોમાં જોવા મળતી જટિલ જન્મજાત બીમારીઓ, ખાસ કરીને બ્લેડર એક્સટ્રોફી અને પેશાબ માર્ગની અન્ય જટિલ સર્જિકલ સમસ્યાઓ પર એક અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ નામે એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી અને અમેરિકાના ડો. અસીમ શુક્લા દ્વારા પ્રકાશિત બાળ યુરોલોજી પર વિશ્વસ્તરીય પુસ્તક પ્રકાશિત આ 150 પાનાનું પુસ્તક 18 વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ પર આધારિત છે. પુસ્તકમાં ઓપરેશન બાદનો દુખાવો ઘટાડવા, દર્દીને ઓછામાં ઓછું હોસ્પિટલમાં રોકાવું પડે અને કોસ્મેટિક રીતે પણ બાળકનો દેખાવ સુધરે તેવી નવીન સર્જિકલ ટેકનીકોની વિગતો આપવામાં આવી છે, જે વિશ્વભરના બાળ યુરોલોજિસ્ટો માટે વિશેષ છે.
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ સાથે ચાલતા આ વર્કશોપની સફળતા અને વિશ્વભરમાંથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનો અને બાળ યુરોલોજિસ્ટો માટે પથદર્શક બનશે.

પુસ્તકમાં વિશ્વભરના અગ્રણી ડોક્ટરો જેમ કે ડો. પી.પી. સાલે, પૌલ મેરગુરિયન, પ્રમોદ રેડ્ડી, દાના વેઇસ તથા ડો. અસીમ શુક્લા અને સિવિલ હોસ્પિટલના ડો. જયશ્રી રામજીના સહયોગથી ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે જન્મજાત ખામીઓનું નિદાન, આનુવંશિક જોખમો અને તેને સુધારવા માટેના આધુનિક સર્જિકલ અભિગમોને વિસ્તારથી આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક 22 વર્ષ બાદ આ વિષય પર વિશ્વને મળતું વ્યાપક અને અધિકૃત સંદર્ભ ગ્રંથ છે.
ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, “આ પુસ્તક બાળકોમાં પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓની સારવાર અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. આ પુસ્તક વિશ્વભરના સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિઓથી માહિતગાર કરશે અને અનેક બાળકોના જીવનને સુધારવામાં મદદ કરશે.”આ પુસ્તક પીડિયાટ્રિક યુરોલોજી અને સર્જરી ક્ષેત્રે ભારતના નામને વધુ ઉજાગર કરશે અને વૈશ્વિક સ્તરે બાળકોની જટિલ સારવારમાં મહત્વનું યોગદાન આપશે.


