સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ દિવ્ય સ્થળે શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.શિવભક્તિની સાથે દેશભક્તિનો આ પવિત્ર સંગમ જોઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમનાથ મંદિરના શિખર પર લહેરાતી સુવર્ણ જેવી કેસરી ધજાની સાથે સમગ્ર પરિસરને રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું છે. મંદિરના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય પરિસર સુધી દરેક સ્થાને ત્રિરંગા લાઈટિંગ અને ધ્વજ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. સાંજ પડતાં જ સોમનાથ મંદિર અને તેના સમગ્ર પરિસરમાં ત્રિરંગા લાઇટિંગ પ્રગટાવવામાં આવી હતી. મંદિરના શિખરથી લઈને આસપાસના પરિસર સુધી ફેલાયેલી આ રોશની દેશની આન, બાન અને શાનનું પ્રતીક બની હતી, જે ભક્તોના હૃદયમાં દેશપ્રેમની ભાવના જગાવી ગઈ.
મંદિર પરિસરમાં દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓએ શિવનાદની સાથે સાથે દેશભક્તિના નારા પણ લગાવ્યા હતા. ‘જય સોમનાથ’ ના પવિત્ર નાદ સાથે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના ગુંજારવથી સોમનાથનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું છે. યાત્રિકોમાં ધાર્મિક આસ્થાની સાથે રાષ્ટ્રીય ગૌરવની ભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે.


