અમદાવાદ : આજના યુવાનોમાં કહેવાય છે કે ફિલ્મો પોતાની અસર છોડી જાય છે, તેવો જ એક કિસ્સો બોલિવૂડની એનિમલ ફિલ્મ જેવો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ફિલ્મમાં હીરો રણબીર સિંઘ જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેની મોટી બહેનને કોલેજમાં કોઈ યુવક હેરાન કરતો હોવાથી તે કોલેજમાં ગન લઈને ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો, એનિમલ ફિલ્મની જેમ જ અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 17 વર્ષનાં સગીરની બહેનને થોડા મહિનાઓ પહેલા એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર હેરાન કરતો હતો, જેથી તે યુવક સાથે સગીરને ઝઘડો થયો અને તે યુવકને પાઠ ભણાવવા માટે પોતાના વતનમાં જઈને દેશી તમંચો લઈ આવ્યો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવ પોલીસે બાતમીના આધારે અમરનગર ગેટ પાસેથી એક સગીરને દેશી તમંચો અને ચાર જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી તમંચા સહિત કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે લીધો છે. સગીરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે સાત મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં મધ્ય પ્રદેશ ગયો હતો, જ્યાં તેણે એક શખ્સ પાસેથી રૂ.700માં દેશી તમંચો ખરીદ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પુછપરછ શરૂ કરી હતી.
સગીરની ઉંમર 17 વર્ષ જ હોવાથી પોલીસે તેનાં માતાપિતાની હાજરીમાં હથિયાર અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે તેની ફોઈની દિકરીને માર્ચ 2025માં કોઈ યુવક સોશિયલ મીડિયા પર હેરાન કરતો હતો, જે બાબતની તેની બહેને તેને જાણ કરી હતી, જેથી સગીરે તે યુવક સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને સગીર 7 મહિના પહેલા વતનમાં લગ્નમાં ગયો ત્યારે આ દેશી તમંચો લઈ આવ્યો હતો અને તે યુવકને ડરાવવા માટે પોતાનાં સોશિયલ મીડિયા પર દેશી તમંચા સાથે રીલ્સ બનાવી અપલોડ કરતો હતો.
પોલીસે જ્યારે તેને ઘરેથી પકડ્યો ત્યારે પણ તે જડેશ્વર ગાર્ડન ખાતે હથિયાર સાથે રીલ્સ બનાવવા જઈ રહ્યો હતો, તેવામાં હાલ તો ઓઢવ પોલીસે આ મામલે સગીર સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


