અમદાવાદ : શહેરમાં આવેલા શાહીબાગ તરફના સાબરમતી રિવરફ્રન્ટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક કાર રોડ પર હાઈ સ્પીડમાં ચાલતી હતી. જેણે અચાનક બ્રેક મારતા આ કાર સાથે પાછળથી આવી રહેલી કાર અથડાઈ હતી. જે પછી એક બાદ એક એમ કુલ ચાર કાર ટકરાઈ હતી. આ કાર અકસ્માત બાદ રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સવારે 11 વાગ્યાની આસપાસ સાબરમતી રિવરફ્રન્ટ પર ડફનાળાથી શાહીબાગ તરફ જતા એક અમેઝ કારની પાછળ વેગેનાર કાર અથડાઈ હતી જેની પાછળ અન્ય બે કાર અથડાઈ હતી આમ એક બાદ એક ચાર ગાડી એકબીજા સાથે અથડાઈ હતી અકસ્માતના સમયે વાહનોની અવરજવર વધુ હોવાના કારણે રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને ગાડી સાઈડમાં કરાવી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું.
અકસ્માતમાં MP પાસિંગની એક કાર હતી,જેમાં એક મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માત દરમિયાન મહિલા દર્દીને સામાન્ય ઇજા પણ પહોંચી હતી જેથી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.


