અમદાવાદ : શહેરના જુના વાડજ જંક્શન ખાતે રુપિયા 106.52 કરોડના ખર્ચે ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનશે, એવું સિવિક બોડીએ સોમવારે જાહેર કર્યુ હતુ. આ યોજનાઓમાં વાડજ જંક્શનથી રાણીપ તરફ 735 મીટર ફ્લાયઓવર અને દધીચી બ્રિજથી અખબારનગર તરફ 417 મીટરનો અંડરપાસ સામેલ છે. જેથી આ વિસ્તારને લગભગ 30 મહિના સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિગતવાર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન બહાર પાડશે.
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનનાં જુના વાડજ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને આશ્રમ રોડ જેવા ટ્રાફિકની દૃષ્ટિએ હંમેશાં વ્યસ્ત રહેતા શહેરના રાજમાર્ગ પર સડસડાટ વાહન હંકારી જવા માટે ભારે રાહત મળશે. વાડજ જંક્શન પર ઇન્કમટેક્સથી રાણીપ બાજુએ 735 મીટર લંબાઈનો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજ પર 1:30નો લોંગીટ્યુડિનલ ગ્રેડિએન્ટ રાખવામાં આવ્યા છે.
આ સાથે જુના વાડજ સ્મશાન ગૃહથી આગળ ગાંધી આશ્રમથી આશ્રમ રોડ પર જઈ શકાય તે માટે ફ્લાય ઓવરબ્રિજ પર ચઢતી પાંખનું પણ આયોજન કરાયું છે. જેના કારણે સાઇલન્સ ઝોનમાં મુકાયેલા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમનો આશ્રમ રોડ સાથે સંપર્ક થઈ શકશે. આ ચડતી પાંખ કે વિંગ આશરે 5.5મીટર પહોળી અને 385.21 મીટર લાંબી બનાવાશે.
આ ઉપરાંત જુના વાડજથી દૂધેશ્વર તરફ જતા દધીચિ રિવરબ્રિજના વાડજ તરફના એપ્રોચથી ભીમજીપુરા તરફ જતો 417.97 મીટર લંબાઈનો અંડરપાસ પણ બનાવાશે. આ અંડરપાસ 9.50 મીટર પહોળો બનશે, જેમાં કેરેજ વેની પહોળાઈ 8.50 મીટર રાખીને બે લેન અંડરપાસનું આયોજન કરાયું છે. અહીં આ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ તેમજ અંડરપાસનો અંદાજિત ખર્ચ રૂ.106.52 કરોડનો છે.
વર્કઓર્ડર અપાયાના 30 મહિનામાં એટલે કે અઢી વર્ષમાં આ બ્રિજ પ્રોજેક્ટ માટે ઉપયોગી થઈ પડશે એટલે કે ઓક્ટોબર-2025 સુધીમાં બ્રિજ ધમધમતો થઈ જશે. જુના વાડજ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસનાં નિર્માણથી સાબરમતી, સુભાષબ્રિજ, આરટીઓ, રાણીપ, ચાંદખેડા, વાડજ, ભીમજીપુરા, અખબારનગર વગેરે વિસ્તારોના રોજના આશરે 2.25 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યાથી ખાસ્સી એવી રાહત મળશે. વર્કઓર્ડર મળ્યાના 30 મહિનામાં બ્રિજ તૈયાર થશે.