અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ સોંપાયા બાદ ખખડી ગયેલાં હાટકેશ્વર બ્રિજનો વિવાદ વંટોળે ચઢતાં મ્યુનિ.તંત્ર દ્વારા અકળ કારણોસર પલ્લવ બ્રિજમાં વપરાઇ રહેલાં તમામ પ્રકારનાં મટીરિયલના સેમ્પલ લેવડાવ્યાં હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
તાજેતરમાં હાટકેશ્વર બ્રિજમાં ગાબડાં પડ્યા બાદ બ્રિજની ચાર અલગ અલગ ખાનગી લેબોરેટરીઓમાં બ્રિજના કરવામાં આવ્યા હતા. જેમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ બ્રિજ અવારનવાર ગાબડાં પડતા હતા, જેથી ઓગસ્ટ 2022માં બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી.
હવે આ જ કંપની અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડને નારણપુરા વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા ખાતે 104 કરોડના જંગી ખર્ચે ફ્લાય ઓવરનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે, આથી પલ્લવ જંકશન ખાતેનાં બ્રિજમાં પણ હાટકેશ્વરવાળી થાય નહિ તે માટે તકેદારીનાં ભાગરૂપે પલ્લવ જંકશન બ્રિજનાં મટીરિયલ અને જેટલું કામ થયું છે તેમાંથી સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે.