અમદાવાદ: અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે આજથી બે વર્ષ પહેલા સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી. સોસાયટીના ચેરમેને ફરિયાદ કરતાં પોલીસે અભિનેત્રીની અટકાયત કરી હતી. આજે પાયલ રોહતગી આ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચી હતી. જોકે FIRને રદ કરવી કે નહીં તે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે સાથે હાઈકોર્ટે સોગંદનામુ કરવા પણ આદેશ કર્યો છે. આ કેસમાં આગામી શનિવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
એક્ટ્રેસ પાયલ રોહતગીના વિવાદ પર નજર કરીએ તો એક્ટ્રેસે સેટેલાઈટના સુંદર એપિટોમ સોસાયટીમાં ગ્રુપ મીટિંગમાં ચેરમેન સાથે દુર્વ્યહાર કર્યો હતો. આટલું જ નહીં તેણે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ મેસેજ કરીને ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સોસાયટીના સભ્યોને પણ ડરાવવા તેમનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.
પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. પાયલ રોહતગીના વીડિયો અને ધમકીથી ડરીને સોસાયટીના બાળકો અને સિનિયર સિટીઝન ઘરની બહાર નિકળતા ડરતા હતા. જે બાદ પાયલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી.